ટી-20 વર્લ્ડ કપમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે સેમિફાઈનલ મુકાબલો

ટી-20 વર્લ્ડ કપમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે સેમિફાઈનલ મુકાબલો

ટી-20 વર્લ્ડ કપમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે સેમિફાઈનલ મુકાબલો

Blog Article

સોમવારે ગ્રુપ 1ની નિર્ણાયક મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવી ટી-20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. સેમિફાઈનલમાં ભારતનો મુકાબલો ઈંગ્લેન્ડ સામે થશે. આ મેચ ગુરૂવારે (ભારતીય સમય મુજબ સાંજે 8.00 વાગે) ગુયાનામાં રમાશે.


ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી ભારતને પહેલા બેટિંગમાં ઉતાર્યું હતું અને તેનો આ નિર્ણય તેના માટે ઘાતક સાબિત થયો હતો. સોમવારની મેચમાં વરસાદના વિઘ્નનું જોખમ મોટું હતું અને એ સંજોગોમાં ડકવર્થ લુઈસનો નિયમ લાગું પડે તે સંજોગોને ધ્યાનમાં લઈને મિચેલ માર્શે ભારતને બેટિંગમાં ઉતાર્યું હોય તેવું જણાતું હતું, પણ એક નાના વિક્ષેપ સિવાય વરસાદનું વિઘ્ન નડ્યું નહોતું અને ભારતના 5 વિકેટે 205 રન સામે ઓસ્ટ્રેલિયા 7 વિકેટે ફક્ત 181 રન સુધી પહોંચી શક્યું હતું. ભારતના સુકાની રોહિત શર્માને તેની ઝમકદાર 92 રનની ઈનિંગ્સ બદલ પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. તેણે 41 બોલમાં 8 છગ્ગા અને 7 ચોગ્ગા સાથે ઓસ્ટ્રેલિયાના દરેક બોલરની ધોલાઈ કરી હતી. તે સિવાય સૂર્યકુમાર યાદવે 31, શિવમ દુબેએ 28 અને હાર્દિક પંડ્યાએ 27 રન કર્યા હતા. વિરાટ કોહલી ખાતુ ખોલાવ્યા વિના જ પેલેલિયન ભેગો થયો હતો.


જવાબમાં ઓસ્ટ્રેલિયાએ પણ લડાયક બેટિંગ સાથે જોરદાર ટક્કર આપી હતી અને 17મી ઓવરમાં ટ્રેવિસ હેડની વિકેટ બુમરાહે લીધી ત્યાં સુધી તો ઓસ્ટ્રેલિયા માટે વિજયની તકો હતી. હેડે ફક્ત 43 બોલમાં ચાર છગ્ગા અને 9 ચોગ્ગા સાથે 76 રન કર્યા હતા. તેના સિવાય સુકાની મિચેલ માર્શે 37 અને ગ્લેન મેક્સવેલે 20 રન કર્યા હતા.

ભારત તરફથી અર્શદીપે 37 રનમાં 3, બુમરાહે 29 રનમાં એક, કુલદીપ યાદવે 24 રનમાં બે અને અક્ષર પટેલે 21 રનમાં એક વિકેટ લીધી હતી.


ગ્રુપ 1માં હવે અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ બાકી છે, જે મંગળવારે રમાવાની છે. ગ્રુપના બીજા સેમિફાઈનાલિસ્ટનો નિર્ણય આ મુકાબલામાંથી થશે.


અફઘાનિસ્તાને 21 રને હરાવી ઓસ્ટ્રેલિયાની બાજી બગાડીઃ શનિવારે અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને 21 રને હરાવી મેજર અપસેટ સર્જ્યો હતો. એ પરાજય પછી ઓસ્ટ્રેલિયા ભારત સામે પણ હારી જતા ટી-20 વર્લ્ડ કપમાંથી બહાર નિકળી ગયું હતું.


શનિવારની આ મેચમાં અફઘાનિસ્તાને 6 વિકેટે 148 રન કર્યા હતા, જેમાં બન્ને ઓપનર છવાયા હતા. ગુરબાઝે 60 અને ઝદરાને 51 રન કર્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયા 19.2 ઓવરમાં ફક્ત 127 રન કરી ઓલઆઉટ થઈ ગયું હતું. ગ્લેન મેક્સવેલે 59 રન કર્યા હતા, તે સિવાય ફક્ત બે કાંગારૂ બેટર બે આંકડાના સ્કોરે પહોંચ્યા હતા. અફઘાનિસ્તાને 8 બોલર્સ અજમાવ્યા હતા, જેમાંથી ગુલબદ્દીન નાઈબે 4 અને નવીનુલ હકે 3 વિકેટ લીધી હતી. નાઈબને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.

Report this page